જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર લગામ કસવા માટે રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન સ્ક્વોડે શહેરના રાજીવનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે ન પકડાય તે માટે કુખ્યાત બુટલેગરે દારૂ સંતાડવા માટે એક નવી અને અનોખી તરકીબ અજમાવી હતી. બુટલેગરે પોતાના રહેણાંક મકાનના રસોડાની અંદર જ ગુપ્ત બેઝમેન્ટ બનાવી દીધું હતું.


રાજીવનગરમાંથી 17 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો

બહારથી કોઈને પણ શંકા ન જાય તે રીતે આ બેઝમેન્ટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે રેન્જ આઈજી સ્ક્વોડને આ અંગે સચોટ બાતમી મળી ગઈ હતી. જેના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે રસોડામાં તપાસ કરી તો ગુપ્ત બેઝમેન્ટમાંથી દારૂના બોક્સનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી આશરે રૂ.17 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

કુખ્યાત બુટલેગરના મકાનમાંથી ઝડપાયો દારૂ

આ મામલે પોલીસે કુખ્યાત બુટલેગર સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી છે. પોલીસે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રેન્જ આઈજી સ્ક્વોડની આ સફળ કામગીરીને કારણે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


  • Follow us on: