મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કડીના પોલીસ સ્ટેશન નજીક જ માથાભારે તત્વોએ જાહેરમાં એક યુવક પર તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. હુમલાખોરોએ ઇરાણા ગામના યુવકને જાહેરમાં દોડાવી દોડાવીને માર માર્યો હતો, જેના કારણે યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


બે જૂથો વચ્ચેની જૂની અદાવતનું પરિણામ

પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો બે જૂથો વચ્ચે ચાલી રહેલી જૂની અદાવતનું પરિણામ હોવાનું અનુમાન છે. 5 જેટલા માથાભારે તત્વોએ આયોજનપૂર્વક આ હુમલો કર્યો હોવાનું મનાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો પોલીસ સ્ટેશન નજીક જ આવી ઘટના બની શકતી હોય તો અન્ય વિસ્તારોમાં શું હાલત હશે? આ ઘટનાએ સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે મોટો પડકાર ઊભો કર્યો છે.

એક આરોપી ઝડપાયો, બાકીના ફરાર

આ ઘટનાની જાણ થતાં જ કડી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે એક હુમલાખોરની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. જોકે, હજુ પણ ચાર જેટલા મુખ્ય આરોપીઓ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ માત્ર એક આરોપીને પકડી સંતોષ ન માને, પરંતુ તમામ હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડી કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને કાયદો તથા વ્યવસ્થા જળવાઈ રહે.


  • Follow us on: