ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોલથરા ગામના લોકોએ સમાજમાં દારૂબંધી અને સુધારણા લાવવા માટે નવા વર્ષના દિવસે એકત્રિત થઈને એક નવી અને કડક પ્રથા લાગુ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગામના તમામ લોકોની સહમતિથી નશો કરતા અને નશાનો વેપાર કરતા લોકો માટે આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ નવો નિર્ણય ગામમાં શાંતિ, વ્યવસ્થા અને સામાજિક સ્વાસ્થ્ય જાળવવાના ઉદ્દેશ્યથી લેવાયો છે.
માતાજીની ટેક રાખીને ઠરાવ પસાર કર્યો
દિવાળીના ગરબા પૂરા થયા બાદ માતાજીની ટેક રાખીને ગ્રામજનોએ આ ઠરાવ પસાર કર્યો હતો. ગોલથરા ગામ દ્વારા લેવાયેલા આ કડક નિર્ણય મુજબ દારૂ અને નશાખોરી સાથે સંકળાયેલા લોકોને નીચે મુજબનો દંડ ફટકારવામાં આવશે. દારૂનો નશો કરતા પકડાયેલા લોકો- જો કોઈ વ્યક્તિ દારૂનો નશો કરતાં પકડાશે તો તેને રૂપિયા 50,000નો દંડ કરવામાં આવશે. દેશી દારૂનો વેપાર કરનારા- ગામમાં જે લોકો દેશી દારૂનો વેપાર કરશે તેમને રૂપિયા 1,00,000નો મોટો દંડ ફટકારવામાં આવશે.













