ગાંધીનગરના કલોલ તાલુકાના ઈટલા ગામે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. જેમાં એક પૌત્રએ માત્ર ત્રણ લાખ રૂપિયાના ચેક માટે પોતાની દાદીની હત્યા કરી નાખી હતી. પોલીસે આ ગંભીર ગુનો આચરનાર આરોપી પૌત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક દાદીને જમીન વેચાણ પેટે રૂ.3 લાખનો ચેક મળ્યો હતો. આરોપી પૌત્ર આ રકમ મેળવવા માટે દાદી પાસે સતત ચેકની માંગણી કરતો હતો.


કલોલના ઈટલામાં પૌત્રએ કરી હતી દાદીની હત્યા

જોકે પૌત્ર રખડેલ હોવાથી અને કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી દાદી તેને ચેક આપવા તૈયાર નહોતા. દાદી જાણતા હતા કે જો આ પૈસા પૌત્રને મળશે તો તે વેડફી નાખશે. પૈસા આપવાની દાદીની ના પાડવાથી ઉશ્કેરાયેલા પૌત્રએ આવેશમાં આવીને દાદીની હત્યા કરવાનો કાવતરો રચ્યો હતો. તેણે દાદીનું ગળું દબાવીને અને ત્યારબાદ છાતી તથા પેટમાં લાતો મારીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. દાદીની હત્યા કર્યા બાદ આરોપી પૌત્ર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પૌત્રે દાદીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી

આ ઘટનાની જાણ થતાં કલોલ પોલીસ તાત્કાલિક ઈટલા ગામે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખીને હત્યારા પૌત્રને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પૌત્રને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પૈસાની લાલચમાં સગપણના સંબંધો ભૂલીને પૌત્રએ આચરવામાં આવેલા આ કૃત્યથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.


  • Follow us on: