કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રૂ.90 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે સંબોધન કરતાં જણાવ્યું હતું કે પહેલાના અને આજના કલોલમાં ઘણો ફરક છે. છેલ્લા 5થી 10 વર્ષમાં કલોલનો વિકાસ થયો છે અને ટૂંક સમયમાં કલોલ અને અમદાવાદ એક થઈ જશે. અમિત શાહે પોતાના સંબોધનમાં ભવિષ્યની યોજનાઓ વિશે પણ વાત કરી હતી.


12 કરોડના ખર્ચે બનાવેલ જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું

તેમણે કહ્યું કે 2027 સુધીમાં કલોલમાં સરકારી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. વરસાદી પાણી ભરાવાની સમસ્યા પર ધ્યાન દોરતા તેમણે જણાવ્યું કે આ મુદ્દે તેમણે બેઠક કરી છે અને આગામી 2 વર્ષમાં કલોલમાં એક ટીપું પણ પાણી નહીં ભરાય તેની ખાતરી આપી હતી. વીજળીના બિલ અંગે બોલતા તેમણે કહ્યું કે કોલસા પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. જેના કારણે વીજળીનું બિલ પણ ઘટશે. તેમણે વડાપ્રધાન મોદીના GST સુધારાઓની પણ પ્રશંસા કરી હતી.

ટાવર ચોક પર બનાવેલા રેન બસેરાનું લોકાર્પણ

આ ઉપરાંત તેમણે લોકોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા અપીલ કરી હતી અને જણાવ્યું કે ઘરમાં એક પણ વસ્તુ વિદેશી ન લાવો. છેલ્લે તેમણે સ્થાનિક લોકોને સંબોધતા કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો તેમને પોસ્ટકાર્ડ લખે. તેમણે ખાતરી આપી હતી કે દરેક સવાલનો જવાબ જરૂરથી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવ, STP પ્લાન્ટ અને રેન બસેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.90 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

  • Follow us on: