ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામમાં એક અત્યંત કરુણ અને ગમખ્વાર ઘટના સામે આવી છે. જ્યાં ત્રણ યુવકોએ એકસાથે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સામૂહિક આપઘાતના પગલે ત્રણેય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ યુવકો પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેમના આપઘાતની ખબર આવતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.


એકસાથે 3 યુવકોએ આપઘાત કરતા ચકચાર

આપઘાત કરનારા ત્રણ યુવકો પૈકીના એક અશોક વાઘેલાના પરિવારે આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે. પરિવારજનોએ જણાવ્યું કે અશોક વાઘેલા પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર સભ્ય હતા. તેના અવસાનથી તેના બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર આર્થિક તેમજ માનસિક રીતે ભાંગી પડ્યો છે. પરિજનોએ વધુમાં જણાવ્યું હતું કે અશોક અન્ય બે યુવકો સાથે પ્રથમ વખત જ નોકરી માટે ગયો હતો.

ઘરેથી નોકરી કરવા જવાનું કહીને નીકળ્યા હતા ત્રણેય યુવકો

શા માટે ત્રણેય યુવકોએ એકસાથે આટલું મોટું અને આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પરિવારજનો સંપૂર્ણપણે અજાણ છે અને કોઈ ચોક્કસ કારણ વિશે તેમને કોઈ માહિતી નથી. પોલીસે આ બનાવની નોંધ લીધી છે અને ત્રણેય યુવકોના આપઘાતના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરી છે. સામૂહિક આપઘાત પાછળ કોઈ પારિવારિક, આર્થિક કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા માટે પોલીસ દ્વારા મૃતકોના મોબાઈલ ફોન અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.


  • Follow us on: