કચ્છના અબડાસા તાલુકામાં આવેલા સાંઘી ચોકડી નજીક આજે પોલીસની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોએ જાતે જ જનતા રેડ કરીને દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ઘટનાએ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ સાંઘી ચોકડી પાસે એક બોલેરો કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી તે સમયે તેને આંતરી હતી.


કારમાં દેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી

કારની તપાસ કરતાં તેમાંથી કોથળા ભરીને દેશી દારૂ ઝડપાયો હતો. કારમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ સમગ્ર દારૂનો જથ્થો વાયોર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં થતી દારૂની હેરાફેરી અંગે અગાઉ અનેકવાર પોલીસને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે લોકોએ કાયદો પોતાના હાથમાં લઈને જનતા રેડ કરવાનું પગલું ભર્યું હતું.

બે લોકો સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી

લોકોના આ પગલા બાદ પોલીસે કાર્યવાહી કરી હતી અને દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસની નિષ્ક્રિયતા સામે જનતા દ્વારા દારૂ ઝડપી પાડવાની આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે અને પોલીસની ગેરહાજરીમાં થતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે.


  • Follow us on: