મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં એક જ વ્યક્તિ સાથે રૂ.8 કરોડથી વધુની માતબર રકમની ઠગાઈ આચરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ ઠગાઈના આરોપી શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલની ધરપકડ બાદ તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ શિક્ષક દંપતી લોકોને લોભામણી લાલચો આપીને છેતરતું હતું. તેમની મોડસ ઓપરેન્ડીમાં મિલકત ખરીદવાના નામે રોકાણ કરાવવાનું સામે આવ્યું છે.
કોર્ટે દંપતીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
દંપતી અલગ-અલગ સ્થળો પર મિટિંગોનું આયોજન કરીને લોકોને વિશ્વાસમાં લેતા અને તેમને ઊંચા વળતરની લાલચ આપીને નાણાં પડાવતા હતા. એક જ વ્યક્તિને ટાર્ગેટ કરીને તેમની સાથે રૂ.8 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોર્ટ સમક્ષ દંપતીના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ ભરત પટેલની સચોટ દલીલોને ધ્યાનમાં લઈને કોર્ટે દંપતીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.













