મહેસાણામાં ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા અટકાવવા માટે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા આજે કડીમાં મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે કડી-નંદાસણ રોડ પર આવેલી સી.કે. પ્રોટીન નામની પેઢી પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ફૂડ વિભાગને જાણવા મળ્યું હતું કે આ યુનિટમાં જુના ટીનનો ઉપયોગ કરીને તેમાં રિફાઇન્ડ સોયાબીન ઓઈલનું પેકિંગ કરવામાં આવતું હતું, જે નિયમોનું ઉલ્લંઘન છે.
3.04 લાખનો મુદ્દામાલ જપ્ત
ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી રિફાઇન્ડ સોયાબીન ઓઈલના 100 ટીનનો જથ્થો કબજે લીધો હતો. સમગ્ર દરોડાની કાર્યવાહીમાં ફૂડ વિભાગે કુલ રૂપિયા 3.04 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તેલની ગુણવત્તા યોગ્ય છે કે કેમ, તે જાણવા માટે તાત્કાલિક ધોરણે ખાદ્યતેલના નમૂનાઓ પરીક્ષણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ પેઢી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ દરોડાથી કડી પંથકના ખાદ્યતેલના પેકિંગ યુનિટ્સમાં ખળભળાટ મચી ગયો છે.













