મોરબીના ટંકારા નજીક ખજુરા હોટલ પાસે થયેલી રૂપિયા 90 લાખની ચકચારી લુંટના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને રૂપિયા 2 લાખની રોકડ સાથે પકડી લીધો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.
7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી હતી
ગત તારીખ 21 મેના રોજ નિલેષભાઈ મનસુખભાઈ ભાલોડી તથા તેઓના ડ્રાઈવર બંને રાજકોટથી આંગડીયા પેઢીના રોકડા રૂપિયા સાથે XUV-300 GJ-03-NK-3502 નંબરની કાર લઈને રાજકોટથી મોરબી આવતા હતા. ત્યારે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઈપ જેવા હથિયાર વડે ફરિયાદી પર હુમલો કરી રોકડા રૂપિયા 90 લાખની લુંટ કરી હતી. આ મામલે સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી રહી હતી.
આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
પોલીસે આ કેસમાં અગાઉ અભિજીત ભાવેશભાઈ ભાર્ગવ, અભિ લાલાભાઈ અલગોતર, દિગ્વીજય અમરશીભાઈ ઢેઢી, હિતેશભાઈ પાંચાભાઈ ચાવડા અને મેહુલ ધીરુભાઈ બલદાણીયા ઉર્ફે કાનોની ધરપકડ કરી હતી. આ આરોપીઓની પૂછપરછમાં નિકુલ કાનાભાઈ અલગોતર પણ ગુનાનો અંજામ આપવા આવેલા હોવાનું ખુલ્યું હતું. આ આરોપી ગત તારીખ 8ના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા આવનાર હોવાની બાતમી મળેલી, જે હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. તેના પાસેથી લૂંટના ગુનામાં ગયેલી રકમ પૈકી રૂપિયા 2 લાખ રિકવર કરવામાં આવ્યા છે. આરોપી બનાવ બન્યા બાદ જુદી જુદી જગ્યાએ રોકાયેલો હોય તે દિશામાં તપાસ તજવીજ ચાલુ છે. આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા 7 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.