ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની જીત થયા બાદ રાજકીય પક્ષો તરફથી સતત આક્ષેપબાજી અને નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી. કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હવે કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ અંગે પ્રતિક્રિયા આપી હતી.


ગોપાલ ઈટાલિયાએ ચેલેન્જ સ્વીકારતા કાંતિ અમૃતિયાની પ્રતિક્રિયા

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સોમવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીએ. ગોપાલ ઈટાલિયા અને હું મોરબીમાં ચૂંટણી લડીએ. મોરબીમા ગોપાલ જીતશે તો હું બે કરોડ રૂપિયા આપીશ. હવે બંનેમાંથી કોઈએ ફરવાનું રહેતુ નથી. ગોપાલ અને હું મોરબીમાંથી ચૂંટણી લડીએ ગોપાલના કાર્યકર્તા અને અમારા કાર્યકર્તા વિસાવદરમાં ચૂંટણી લડીએ.જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર હોય અને હું ફરું તો મારા બાપમાં ફેર હોય.

ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાની ચેલેન્જ સ્વીકારી

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા મોરબીમાં ચૂંટણી લડવા આવે તો હું રાજીનામું આપી દઈશ અને તે જીતે તો તેને બે કરોડ રૂપિયા હું આપીશ.કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણ ગરમાયું હતું. ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે, મોરબીના ધારાસભ્યએ મને મોરબીથી ચૂંટણી લડવા માટે ચેલેન્જ આપી છે. હું તેમની આ ચેલેન્જને સ્વીકારૂ છું. તેઓ 12 તારીખે બપોરે બે વાગ્યા સુધીમાં રાજીનામું આપી દે. જો તમે શરૂ હોવ તો ફરી ના જતાં ગોપાલ ઈટાલિયા તમારી ચેલેન્જને સ્વીકારે છે.


  • Follow us on: