મોરબીમાં પોલીસ અસમાજિક તત્ત્વો પર લગામ લગાવવા પ્રયાસ કરી રહી છે. નિર્દોષ લોકોને હેરાન કરતા આવા લોકોને પકડી-પકડીની જેલ ભેગા કરે છે. દરમિયાન આજે નશામાં ધૂત યુવક હંગામો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ યુવક રેલ્વેના પાટા પર સૂઈ જતા આસપાસ ઉભેલા સ્થાનિકો તેને બચાવવા દોડ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


ટ્રેનના પાટા પર યુવકે મચાવ્યો હંગામો

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આ ઘટના મોરબીના રફાળેશ્વરમાં બનવા પામી છે. વીડિયોમાં દેખાય છે કે રફાળેશ્વર નજીક રેલવે ફાટક પાસે યુવક મોટો હોબાળો મચાવે છે. રેલવે ફાટક બંધ હોય છે અને ત્યાં ફાટકની બંને બાજુ વાહનો ઉભા છે. દરમિયાન ટ્રેન આવતી હોય છે ત્યારે અચાનક એક યુવક રેલ્વેના પાટા પર સૂઈ જાય છે. આ જોતાં જ ત્યાં ઉભેલા લોકો ફટાફટ દોડે છે અને તેને પકડી પાટાની બાજુ પર લઈ જાય છે. અને ટ્રેનના ચાલક પણ આ સમયસૂચકતા વાપરી ટ્રેન ધીમી પાડે છે.

યુવકના કારસ્તાનની પોલીસને જાણ કરાઈ

રફાળેશ્વર નજીક આ યુવકનું આ કારસ્તાન ત્યાં ઉભેલા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. યુવક આ હરકત કરતો હોય છે ત્યારે ફાટકની બીજી બાજુ ઉભા રહેલા વાહનચાલકે સમગ્ર બનાવ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો. યુવકને બચાવનારા લોકોનું માનવું છે કે તેણે નશો કર્યો છે. એટલે નશામાં ધૂત આ યુવક બેફામ બનીને વર્તન કરવા લાગ્યો છે. યુવકના આ પગલાની પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસે રેલ્વે ફાટક પાસે હંગામો મચાવનાર યુવકની અટકાયત કરતાં સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી.

  • Follow us on: