નવસારી જિલ્લામાં બિશ્નોઇ ગેંગ સાથે સંકળાયેલા સાગરીતો અને SMC ની ટીમ વચ્ચે થયેલી અથડામણ અને ગોળીબારની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. SMCના SP મયુર ચાવડાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં એલર્ટ જાહેર કરાયું હતું. આ એલર્ટના પગલે તપાસ શરૂ કરાઈ હતી અને બાતમી મળી હતી કે, કેટલાક લોકો હથિયારો સાથે નવસારી વિસ્તારમાં આવ્યા છે અને કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. બાતમીના આધારે PI પનારા અને તેમની ટીમ બીલીમોરા નજીક પહોંચી હતી, જ્યાં 4 (ચાર) શખ્સો ક્યાંક જવાના હતા.


પોલીસ પર હુમલો અને વળતો જવાબ

જ્યારે SMCની ટીમે આ ચાર શખ્સોને આંતર્યા ત્યારે માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. SP ચાવડાના જણાવ્યા મુજબ, 4 પૈકીના એક આરોપીએ પોલીસ પર વેપનથી ફાયરિંગ કર્યું હતું. જીવલેણ હુમલાના વળતા જવાબમાં PI પનારાએ પણ પોતાના બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગી હતી અને તે પકડાઈ ગયો હતો. આ આરોપીઓ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમના વિરુદ્ધ હથિયાર ધારા તેમજ પોલીસ પર હુમલો કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતમાં કઈ રીતે ભેગા થયા?

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હથિયારો રાજસ્થાન કે મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હતા. વધુમાં, પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મનીષ નામના શખ્સે અન્ય ત્રણ આરોપીઓને કોઈક ચોક્કસ ષડયંત્ર માટે ગુજરાત બોલાવ્યા હતા. હવે SMCની ટીમ એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ તમામ આરોપીઓ કઈ રીતે ગુજરાતમાં ભેગા થયા હતા અને તેમનો મુખ્ય ઇરાદો શું હતો. પોલીસ અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ પણ ગુનાહિત ગેંગને માથું ઊંચકવા દેવામાં આવશે નહીં.


  • Follow us on: