Navsari News:

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવામાં ઘણા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. આવો જ એક આરોપી હતો સલમાન લસ્સી. સલમાન નામના કુખ્યાત આરોપીને પોલીસે નવસારીના ડાભેલ ગામથી દબોચી લીધો હતો. આ પહેલા પોલીસ અને આરોપી વચ્ચે ઘર્ષણ થયું હતું. જે દરમિયાન પોલીસે ફિલ્મીઢબે આરોપીને ઝડપી લીધો હતો.

સલમાન લસ્સીને પગમાં ગોળી વાગી

સુરતથી હત્યા સહિત અનેક ગુનાઓમાં સલમાન લસ્સી નામનો આરોપી ફરાર હતો. જે નવસારીના ડાભેલ ગામમાં હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાદ પોલીસ તેને દબોચી લેવા પહોંચી હતી. આ દરમિયાન સલમાન લસ્સીએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જે કારણે ડીસીબી ટીમ (ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ)ને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન પોલીસે કુખ્યાત આરોપી સલમાન લસ્સીને પગમાં ગોળી મારી હતી. જે બાદ ઘાયલ આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આ મામલામાં નવસારીના મરોલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ રીતે ઝડપાયો સલમાન લસ્સી

ઘટનાની મળતી માહિતી અનુસાર, નવસારીના ડાભેલ ગામે વેહલી સવારે સુરત ડીસીબીની ટીમ સ્થાનિક મરોલી પોલીસ સાથે લિંબાયત વિસ્તારના કુખ્યાત આરોપી સલમાન લસ્સીને દબોચી લેવા માટે પહોંચી હતી. ચોક્કસ બાતમીના આધારે પહોંચેલી પોલીસ દ્વારા સલીમ જ્યાં છુપાયો હતો, તે મકાનને ઘેરી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન સલમાન લસ્સીએ ભાગવાના પ્રયાસ સાથે પોલીસ જવાનને ધક્કો મારી દીધો હતો. આ સાથે ક્રાઈમ બ્રાન્ચના ઇસ્પેક્ટર પી. કે. લોઢા ઉપર ચપ્પુ વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો.

આ હુમલાને પીઆઈ લોઢાએ નિષ્ફળ બનાવી સ્વબચાવમાં સલમાન લસ્સીને પગમાં ગોળી મારી દબોચી લીધો હતો. આ મામલે નવસારીના મરોલી પોલીસ મથક ખાતે ગુનો નોધવામાં આવ્યો છે. જેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયરિંગની ઘટનાને પગલે નવસારી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ સાથે એફએસએલની ટીમ સાથે તપાસ કરવામાં આવી હતી.

કોણ છે સલમાન લસ્સી?

સલમાન લસ્સી સામે સુરત શહેરના ઘણા પોલીસ મથકોમાં વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયા છે. સલમાન ગુનાહિત તત્વો સાથે જોડાયેલો છે. સલમાન લસ્સી હત્યા સહિત 15 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. સલમાન શકીલ નામના શખ્સની હત્યાનો મુખ્ય આરોપી છે. આ સાથે તેના પર સુરતમાં લોકોને લાંબા સમયથી ધમકાવતો હોવાની ફરિયાદો પણ સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન લસ્સીની ધરપકડ બાદ સુરત શહેરના ઘણા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. સ્થાનિકો સલમાનની ધરપકડના કારણે રાહત અનુભવી રહ્યા છે.

  • Follow us on: