ગાંધીનગરમાંથી ગુજરાત ATS દ્વારા ત્રણ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં. જેમાંથી એક આતંકવાદીએ દોઢ મહિના પહેલા અમદાવાદની રેકી કરી હતી. તે અમદાવાદની હોટલમાં રોકાયો હતો. આ ઘટનાની તપાસ હજી ચાલુ છે ત્યાં જ દિલ્હીમાં કારમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું. આ દરમિયાન નવસારીમાં હથિયાર વેચવા આવેલા બિશ્નોઈ ગેંગના સાગરિતો અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે ફાયરિંગ થયું હતું.


બિશ્નોઇ ગેંગના સાગરીતો અને SMC વચ્ચે ફાયરિંગ

નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, બિશ્નોઈ ગેંગના સાગરિતો હથિયાર વેચવા આવ્યા છે. આ બાતમીને આધારે SMCની ટીમ દ્વારા છાપેમારી કરવામાં આવી હતી. તે દરમિયાન બિશ્નોઈ ગેંગના સાગરિતો અને SMC વચ્ચે ગોળીબાર થયો હતો. SMCની ટીમે બાતમીના સ્થળ પર દરોડા પાડતા જ બિશ્નોઈ ગેંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

SMCની ટીમે 4 આરોપીઓને ઝડપી પાડ્યા

પોલીસ પર હુમલો થતાં SMCના PI પનારાએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ દરમિયાન બિશ્નોઈ ગેંગના સાગરિતને પગમાં ગોળી વાગી હતી. ગોળી વાગતા તેને સારવાર માટે બીલીમોરાની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. આ ઘટનામાં SMCની ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. તેમની પાસેથી એક પિસ્તોલ સહિત 27 જીવતા કારતૂસ જપ્ત કરાયા હતાં. આ ઘટના બાદ નવસારી જિલ્લાની પોલીસ બીલીમોરા પહોંચી ગઈ હતી. આરોપીઓની ધરપકડ બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: