નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાના દારૂ ભરેલા ટ્રક સાથે એક ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. જેનું નામ અભિષેક બચ્ચન હોવાનું જાણવા મળ્યું છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. બાતમીના આધારે કાર્યવાહી કરતા નવસારી LCBની ટીમે બોરિયાચ ગામ નજીકથી આ ટ્રકને આંતરીને ઝડપી પાડ્યો હતો.


યુપીનો ટ્રક ડ્રાઇવર વાપીથી અમદાવાદ જઇ રહ્યો હતો

આરોપી ટ્રક ડ્રાઇવર અભિષેક બચ્ચન દારૂ ભરેલી ટ્રક લઈને વાપીથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો અને તેણે દારૂના આ જથ્થાને છુપાવવા માટે ખૂબ જ ચાલાકીપૂર્વક સવા કરોડ રૂપિયાની કિંમતના બોડી લોશનના જથ્થાની આડમાં દારૂ ભર્યો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાંથી બોડી લોશનના જથ્થા સાથે રૂ.25 લાખથી વધુની કિંમતનો દારૂ મળી આવ્યો હતો.

દારુ સહિત દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

જેના પગલે પોલીસે દારૂનો જથ્થો ટ્રકમાં લઈ જનાર અભિષેક બચ્ચનની ધરપકડ કરી છે. પોલીસે દારૂનો જથ્થો, બોડી લોશનનો જથ્થો અને ટ્રક સહિત કુલ દોઢ કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: