પાલનપુરમાંથી ડુપ્લીકેટ સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયુ છે. પોલીસે લાખણીના માધવ ફાઉન્ડેશન પર રેડ કરી છે. આ રેડમાં દેશની જુદીજુદી યુનિવર્સિટીઓના સર્ટિ ઝડપાયા છે. પોલીસે અલગ અલગ સંસ્થાઓના નકલી સર્ટિફિકેટ જપ્ત કર્યા છે. આરોપી હિતેશ સોલંકીએ એજ્યુકેશનલ ટ્રેનિંગના નામે સંસ્થા બનાવી હતી. જેમાં તે નકલી સર્ટીફિકેટ બનાવતો હતો. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાખણીના માધવ ફાઉન્ડેશન પર પોલીસની રેડ
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાલનપુર SOG પોલીસે લાખણી માંથી દેશની અલગ-અલગ યુનિવર્સિટીઓ ,ઇન્સ્ટીટયુટ તેમજ સંસ્થાઓના ડુપ્લીકેટ સર્ટીઓ ઝડપી પાડ્યા છે. આરોપી હિતેશ સોલંકીએ લાખણીમાં માધવ ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ તથા ઓલ ઈન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એજ્યુકેશન ટ્રેનીંગ નામની સંસ્થા બનાવી યુવાનોને લાલચ આપવા ડુપ્લીકેટ સર્ટીઓ બનાવ્યા હતા.
આરોપી હિતેશ સોલંકીએ બનાવ્યા નકલી સર્ટિફિકેટ
બિહાર મુક્ત વિધ્યાલયી શિક્ષણ અને પરીક્ષા બોર્ડ પટના બિહાર તથા વિલીયમ કેરી યુનિર્વસીટી શિલોંગ મેઘાલય તેમજ ડૉ.ડી.વાય. પાટીલ વિધ્યાપીઠ (ડીપીયુ) પુણે મહારાષ્ટ્રના બનાવટી ડીગ્રી સર્ટીઓ બનાવી પોતાના કબ્જામાં રાખ્યા હતા. પોલીસને બાતમી મળતાં રેડ કરી તમામ સર્ટીઓ કબ્જામાં લઈ તાપસ અર્થે મોકલતા સર્ટી ડુપ્લીકેટ નીકળ્યા હતાં. SOG પીઆઇ એચ.બી ધાંધલ્યાએ હિતેશ સોલંકી સામે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.