પોરબંદરના ખીજદાળ ગામે સોમવારે બપોરે થયેલી લૂંટનો ભેદ પોરબંદર LCBએ ઉકેલી નાખ્યો છે. આ કેસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ફરિયાદીના સગા બનેવીએ જ સાળાના ઘરમાં લૂંટ કરાવી હતી. પોલીસે આ મામલે 6 આરોપીઓને રાણાવાવ નજીકથી ઝડપી લીધા છે. લૂંટરાઓએ 27 તોલાના સોનાના ઘરેણાં અને 80,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.


અજાણ્યા શખ્સો ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા

રાણાવાવ તાલુકાના ખીજદાળ ગામના ધાર વિસ્તારમાં રહેતા કરશનભાઈ દેવાણંદભાઈ નંદાણીયાના ઘરે બપોરના સમયે 6 અજાણ્યા શખ્સો પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ કરશનભાઈના આઠ વર્ષના બાળકના ગળે છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લૂંટારુઓએ પરિવારના તમામ સભ્યોને એક રૂમમાં પૂરી દીધા હતા અને કબાટનું લોક તોડી 27 તોલાના સોનાના ઘરેણાં અને 80,000 રૂપિયાની રોકડની લૂંટ ચલાવી હતી.

પોલીસે લૂંટના કાવતરાને નિષ્ફળ બનાવી 6 આરોપીઓને ઝડપી લીધા

પોલીસે આ કેસમાં ચાર ટીમો બનાવીને જિલ્લાભરમાં નાકાબંધી કરી હતી, એલસીબીએ રાણાવાવ-જામનગર રોડ પરથી પસાર થતી એક કારને શંકાના આધારે રોકી તપાસ કરતાં તેમાંથી લૂંટના ઘરેણાં મળી આવ્યા હતા. મુખ્ય આરોપી જામકંડોરણા ગામના રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જણાવ્યું કે લૂંટ કરવા માટે ફરિયાદી કરશનભાઇના રાજકોટ ખાતે રહેતા બનેવી દિલીપભાઇ માલદેભાઇ સાંજવા અને પ્રફુલભાઈ પ્રભુદાસ ચરડવાએ કહ્યું હતું. રવિરાજસિંહે અમદાવાદના જતીન અશોકકુમાર વિશ્વનાથનો સંપર્ક કર્યો હતો અને લૂંટ માટે ઉત્તર પ્રદેશથી ચાર શખ્સોને બોલાવ્યા હતા. જોકે પોરબંદર પોલીસે સમયસર કાર્યવાહી કરી લૂંટના કાવતરાને નિષ્ફળ બનાવી દીધું અને 6 આરોપીઓને ઝડપી લીધા હતા.

27 તોલા સોનાની કરી લૂંટ

ખીજદાળ ગામે લૂંટમાં સોનાના મંગળસુત્ર -4, સોનાના પેડલ સેટ-3, સોનાના ચેઇન -2, સોનાની વીંટી નંગ-4, સોનાની લકી, શીવલીંગ તથા ઓમની ડિઝાઈન રૂદ્રાક્ષની માળા, સોનાની બુટ્ટી -2 જોડ મળીને કૂલ 27 તોલા સોનાના ઘરેણા અને રૂ.80 હજારની રોકડ રકમ મળીને કુલ રૂપિયા 19,70,000ના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી હતી. ખીજદાળ ખાતે કરશનભાઈ દેવાણંદભાઇ નંદાણીયાના ઘર લૂંટ કરવા માટે કરનભાઈના રાજકોટ ખાતે બનેવી દિલીપ માલદે સાંજવા અને પ્રફુલ પ્રભુદાસ ચરડવાએ રવિરાજસિંહને કહ્યું હતુ અને લૂંટમાં જે સોનાના ઘરેણાં અને રોકડ મળે તેમાં 50 ટકા ભાગનું નક્કી થયું હતું.

પકડાયેલા આરોપીઓના નામ

  • રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા- રહે. જામકંડોરાણ
  • જતીન અશોકકુમાર વિશ્વનાથન-રહે. અમદાવાદ
  • સિધેશ્વર ઉર્ફે સિધ્ધ દેવજી પરમાર-રહે. અમદાવાદ
  • સાહિલ ઉર્ફે કાલુ સર્વેશ યાદવ-રહે. ઉત્તરપ્રદેશ
  • નિરજ ઉર્ફે બઠીયો શિવલાલ ચૌહાણ- રહે. ઉત્તરપ્રદેશ
  • વિશાલ મોતીલાલ ચૌધરી- રહે. રાજસ્થાન

  • Follow us on: