પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામમાં ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતો એક બોગસ ડૉક્ટર ઝડપાતાં ખળભળાટ મચી ગયો છે. કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયકાત ન હોવા છતાં આ શખ્સ લાંબા સમયથી ગામલોકોની સારવાર કરીને તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પોરબંદરની SOG ટીમને આ બોગસ ડૉક્ટર વિશે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે SOG ટીમે ઠોયાણા ગામમાં છાપો મારીને તપાસ હાથ ધરી હતી.
બોગસ ડૉક્ટર વિપુલ બટુકભાઈ સત્યદેવ ઝડપાયો
જેમાં આ બોગસ ડૉક્ટરનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા આ બોગસ ડૉક્ટરનું નામ વિપુલ બટુકભાઈ સત્યદેવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જ્યારે વિપુલ સત્યદેવના દવાખાનાની તલાશી લીધી. ત્યારે મોટી માત્રામાં દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા હતા. પોલીસે બોગસ ડૉક્ટર પાસેથી કેપ્સ્યુલ, વિવિધ દવાઓ અને ઇન્જેક્શનો સહિતનો અન્ય તબીબી સામાન જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.8,906 જેટલી આંકવામાં આવી છે.













