હાલની યુવા પેઢીને વિદેશમાં જઈને વસવાનો અને ત્યાં કામ કરવાનો મોટો ચસ્કો લાગ્યો છે અને આ સપનું પુરૂ કરવા માટે લોકો લાખો રૂપિયા પણ ખર્ચ કરવા માટે તૈયાર થઈ જાય છે અને ઘણી વાર વિદેશ જવાની લાલચમાં પૈસા ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે આ પ્રકારનો જ એક કિસ્સો રાજ્યમાં ફરી એક વખત સામે આવ્યો છે. પોરબંદરના 19 યુવક-યુવતીઓને થાઈલેન્ડમાં નોકરી આપવાની લાલચ આપીને 57 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.


બંને આરોપીઓએ 19 લોકોને થાઈલેન્ડ લઈ જઈ રઝડતા મુકી દીધા

પોરબંદરના 19 યુવક-યુવતીઓને થાઈલેન્ડમાં લઈને જઈને નોકરી આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા મૂળ પોરબંદરના તુષાર સાદીયા અને પંજાબના અમિતકુમાર અરોડા નામના બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના 19 યુવક યુવતીઓને નોકરી અપાવવાની લાલચ આપી થાઈલેન્ડ લઈ જવાયા હતા અને ત્યાં રસ્તે રઝડતા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ યુવક યુવતીઓ ફરી પોરબંદર પહોંચી ગયા હતા અને તેમને ત્યાં મદદ કરનાર અગ્રણી પણ તેમની સાથે જ પોરબંદર આવ્યા હતા અને ઘર સુધી તેઓને પહોંચાડી દીધા હતા. 24/06/2025ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ તુષાર કિશોરભાઈ સાદીયા અને અમિતકુમાર અરોડા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોરબંદર LCBએ દિલ્હીથી આરોપીને ઝડપી પાડ્યો

આ બંને લોકોએ પોરબંદરના 19 યુવક-યુવતીઓને વિશ્વાસમાં લઈને વ્યકિત દીઠ રૂપિયા 3 લાખ મળીને રૂપિયા 37 લાખ રોકડા તેમજ રૂપિયા 20 લાખ ઓનલાઈન માધ્યમથી મળીને કુલ રૂપિયા 57 લાખ મેળવી બેંગકોકના પટાયા સીટી ખાતે હોટલમાં કામ કરવા માટે લઈ જઈને હોટલમાં કામ ના અપાવીને છેતરપિંડી અને વિશ્વાતઘાત કર્યો હતો. ત્યારે પોરબંદર LCB દ્વારા આરોપી અંગે ઝીણવટભરી માહિતી એકત્રીત કરી તપાસ ચાલી રહી હતી, આ દરમ્યાન આરોપી અમિતકુમાર અરોડા દિલ્હી ખાતે હોવાની હક્કીત મળતા પોરબંદર LCBનો સ્ટાફ દિલ્હી રવાના થયો હતો અને ત્યાંથી હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પોરબંદર LCBએ છેતરપિંડી કરનારા આરોપી અમિતકુમાર અરોડાને ઝડપી પાડ્યો હતો અને તેને પોરબંદર લાવવામાં આવ્યો હતો. જો કે હજુ પણ તુષાર સાદીયા નામનો આરોપી ફરાર છે અને પોરબંદર પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલુ છે.


  • Follow us on: