રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલી ઓમ રેસ્ટોરન્ટ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગઈકાલે રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગની એક ટીમ બિલિંગ અને ટેક્સ સંબંધિત અનિયમિતતાની તપાસ માટે રેસ્ટોરન્ટ પહોંચી હતી. જોકે, આ તપાસ દરમિયાન GST ટીમને રેસ્ટોરન્ટની અંદરથી વિદેશી દારૂની ચાર બોટલો મળી આવતાં સમગ્ર મામલો ગરમાયો હતો. GST અધિકારીઓને દારૂની બોટલો મળતાની સાથે જ રેસ્ટોરન્ટના સંચાલકો અને સ્ટાફ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સ્થિતિ તંગ બની હતી.
બિલિંગની આડમાં દારૂનું વેચાણ?
દારૂનો જથ્થો મળ્યા બાદ GST અધિકારીઓએ કાર્યવાહી શરૂ કરતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને માર મારવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રેસ્ટોરન્ટની અંદર બારમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા ખાસ પ્રકારના ગ્લાસ પણ જોવા મળ્યા હતા, જે રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે દારૂ પીરસવામાં આવતો હોવાની શંકાને વધુ મજબૂત બનાવે છે. ઘટનાની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો જપ્ત કરીને રેસ્ટોરન્ટ સંચાલકો વિરુદ્ધ ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, GST અધિકારીઓને માર મારવાના મામલે પણ અધિકારીઓની અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે અને રેસ્ટોરન્ટના આ સંચાલન પર અનેક સવાલો ઊભા કર્યા છે કે શું રેસ્ટોરન્ટમાં જમવા સાથે ગેરકાયદેસર રીતે દારૂ પણ આપવામાં આવતો હતો.













