રાજકોટ શહેરમાં કેટલાક યુવકો દ્વારા ચાલુ કારમાંથી જોખમી રીતે ફટાકડા ફોડીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બે યુવકોની અટકાયત કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે યુવકો ચાલુ કારમાં બેસીને ફટાકડા સળગાવી રહ્યા હતા અને સળગાવેલા ફટાકડાને રસ્તા પર ગમે ત્યાં ફેંકી રહ્યા હતા. આ કૃત્ય અત્યંત જોખમી હતું.
યુવાનોનો ફટાકડા ફોડતો વીડિયો થયો હતો વાયરલ
કારણ કે ચાલુ કારમાંથી આ રીતે ફટાકડા ફેંકવાથી અન્ય વાહનચાલકો ગભરાઈ શકે છે. અકસ્માત સર્જાઈ શકે છે અથવા આગ લાગી શકે છે. લોકોના જીવ જોખમાય તેવી આ બેફામ પ્રવૃત્તિનો વીડિયો વાયરલ થતાં રાજકોટ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. પોલીસે તાત્કાલિક વીડિયોના આધારે તપાસ હાથ ધરી હતી અને કાયદાનું ઉલ્લંઘન કરનારા બંને યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને યુવકોની અટકાયત કરીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.













