જૂનાગઢ ખાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. જેમાં કોંગ્રેસને શિસ્ત અને સંગઠનના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટર ભાનુ સોરાણીએ મંદિરમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પતિ સાથે મંદિરમાં તોડફોડ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પતિ સાથે મંદિરમાં તોડફોડનો વીડિયો વાયરલ
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી અને તેમના પતિ પ્રવિણ સોરાણીનો દાદાગીરીનો વીડિયો સામે આવ્યો છે. ભાનુબેન સોરાણી વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર છે. વોર્ડ નંબર 15ના શિવાજીનગરમાં સ્થિત બાબા સિતારામ મંદિરમાં તોડફોડ કરીને લોકો સાથે બબાલ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. કોર્પોરેટના પતિએ દારૂના નશામાં મંદિરમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.













