રાજકોટ શહેરમાં છેલ્લા પંદર દિવસમાં સાત હત્યાઓ, ગેંગવોરમાં ફાયરિંગ અને અન્ય ગંભીર ગુનાઓના બનાવો બનતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. આથી, શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રાજકોટ પોલીસે હવે અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવ્યું છે અને 'ઓપરેશન લુખ્ખા'ના નામે મેદાને ઉતરી છે. ક્રાઈમ બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે.


લુખ્ખાઓની બેઠક હોય તેવી જગ્યાઓ પર કાર્યવાહી

લુખ્ખાઓની બેઠક હોય તેવી ચાની કિટલીઓ, હોટલો અને પાનની દુકાનોને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કાયદોભંગ કરતા તત્વોને પકડવા માટે વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાવેલી અને નંબર પ્લેટ વિનાની ગાડીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. વાહનોમાં હથિયાર સહિતનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું છે. લુખ્ખાઓના આતંકને ડામવા અને લોકો પોલીસને સીધી માહિતી આપી શકે તે માટે શહેર પોલીસે એક વૉટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે.

બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાની ગાડીઓ પર તવાઇ

છેલ્લા ત્રણ દિવસથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં સતત ચેકિંગની કામગીરી ચાલી રહી છે, જેનાથી અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવી શકે. પોલીસની આ સખ્ત અને દેખાતી કામગીરીથી શહેરીજનોમાં ખુશીની અને સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. લોકો આશા સેવી રહ્યા છે કે પોલીસની આ ઝુંબેશથી ગુનેગારોની સાન ઠેકાણે આવશે અને શહેર શાંતિપૂર્ણ બની રહેશે.


  • Follow us on: