અમરેલી જિલ્લાના રાજુલામાં 15 દિવસ પહેલા કોર્ટની બહાર એક વ્યક્તિ પર થયેલા હુમલાના મામલામાં મોટો વળાંક આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ભોગ બનનારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે હવે હત્યાની કલમ ઉમેરી છે.
જમીન વિવાદના કોર્ટ કેસ બાદ થયો હતો હુમલો
આ ઘટના આશરે 15 દિવસ પહેલા રાજુલા કોર્ટની બહાર બની હતી. જ્યાં જમીન-મિલકત વિવાદ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો હતો. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા પછી મહેબૂબભાઈ જોખીયા કોર્ટમાંથી બહાર નીકળ્યા ત્યારે ત્રણ ઇસમો દ્વારા તેમની પર મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મહેબૂબભાઈ જોખીયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેના પગલે તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની ગંભીર હાલતને કારણે તેમને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.













