સુરતના ભેસ્તાન આવાસ વિસ્તારમાં એક માથાભારે શખ્સ અરબાઝ બિલ્લીનો જાહેરમાં આતંક સામે આવ્યો છે. આ શખ્સે એક યુવકને જાહેરમાં ઢોર માર મારતાં વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. માથાભારે અરબાઝ બિલ્લીએ એક યુવક પાસે નશા માટે રૂપિયાની માંગણી કરી હતી. યુવકે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં અરબાઝ બિલ્લી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવક પર જાહેરમાં હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું.


અરબાઝ બિલ્લી નામના યુવકે મચાવ્યો આતંક

જાહેરમાં યુવકને માર મારવામાં આવતા ભેસ્તાન આવાસના રહીશોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે અરબાઝની માથાભારે છાપને કારણે લોકો તરત વચ્ચે પડવાની હિંમત કરી શક્યા નહોતા. આ ઘટનાને કારણે ભેસ્તાન આવાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ માથાભારે અરબાઝ બિલ્લી નશાના કારોબાર સાથે પણ સંકળાયેલો છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ભેસ્તાન આવાસ વિસ્તારમાં ગુનેગારો બેખોફ બનીને ખુલ્લેઆમ ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

ડિંડોલી પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

આ વિસ્તાર ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ત્યારે માથાભારે શખ્સોનો જાહેરમાં આતંક સામે આવતા ડિંડોલી પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે પોલીસ તંત્ર તાત્કાલિક અરબાઝ બિલ્લી અને તેના સાગરીતો વિરુદ્ધ કડક પગલાં ભરે અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત કરે.


  • Follow us on: