સુરત શહેરમાં નિર્દોષ લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવતી એક સંગઠિત ગેંગ, જેને "મશરૂ ગેંગ" તરીકે ઓળખવામાં આવે છે, તેને સુરત શહેર SOG પોલીસે ઝડપી પાડી છે. આ ગેંગ મહિલાઓનો ઉપયોગ કરીને લોકોને નિશાન બનાવતી હતી અને પછી પોલીસ તરીકે ઓળખ આપીને દરોડા પાડીને તેમને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને ખંડણી માંગતી હતી. તાજેતરમાં જ હીરાના કારખાનામાં કામ કરતા યુવાનને કુખ્યાત મશરુ ગેંગે હનીટ્રેપમાં ફસાવ્યો હતો.



હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાય

SOG પોલીસની પકડમાં પકડાયેલી આ ગેંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોક્કસ અને સંગઠિત હતી. અમિત મશરૂ અને તેનો ભાઈ સુમિત મશરૂ આ ટોળકીનું સંચાલન કરતા હતા. તેઓ અલગ અલગ મહિલાઓને પોતાની ગેંગમાં સામેલ કરતા હતા. આ મહિલાઓ અગાઉ સંપર્કમાં આવેલ પુરુષ મિત્રો સાથે મિત્રતા કેળવી, તેમને પોતાની તરફ આકર્ષિત કરતી હતી. વોટ્સએપ મેસેજ અને વીડિયો કોલનો ઉપયોગ કરીને આ મહિલાઓ પુરુષોને એકાંતમાં તેમના નિયત કરેલા ઘર, મકાન કે ફ્લેટ પર બોલાવતી હતી.જ્યારે પીડિત પુરુષ એકાંતમાં હોય ત્યારે, અગાઉથી તૈયાર કરાયેલા પ્લાન મુજબ ગેંગના પુરુષ સભ્યો બહાર ઉભા રહી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને ફ્લેટમાં દરોડો પાડતા હતા. તેઓ પીડિતને હનીટ્રેપનો શિકાર બનાવીને ડરાવી, ધમકાવી સમાજમાં બદનામ કરવાની અને પોલીસ કેસ કરવાની ધમકીઓ આપતા હતા. આ રીતે તેઓ પીડિતને પૈસા આપવા મજબૂર કરતા અને તેમની પાસેથી મોટી રકમ પડાવતા હતા.


ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા

જ્યારે મહિલા દ્વારા હનીટ્રેપ સફળતાપૂર્વક ગોઠવાઈ જતી, ત્યારે ગેંગના પુરુષ સભ્યો કોડવર્ડ ભાષામાં "પેપર પહોંચી ગયેલ છે" તેવા સાંકેતિક શબ્દોનો ઉપયોગ કરતા હતા, જે તેમના ગુનાહિત કાર્યોમાં ગુપ્તતા જાળવવામાં મદદ કરતો હતો. ભોગ બનેલો વ્યક્તિ સમાજમાં બદનામી થવાના ડરથી પોલીસ કેસ ન કરતો હોવાથી આ ટોળકી અન્ય લોકોને પણ શિકાર બનાવતી હતી. તાજેતરમાં કતારગામ વિસ્તારમાં એક હીરાના કારખાનામાં કામ કરતા 44 વર્ષીય યુવાન હનીટ્રેપનો શિકાર બન્યા હતા. અસ્મિતા બાબુ ભરડવા નામની યુવતી, જે તે જ કંપનીમાં કામ કરતી હતી, તેણે ફોન પર મીઠી વાતો કરીને યુવાનને ફસાવ્યો હતો. તા. 16 જુલાઈ, 2025ના રોજ અસ્મિતા યુવાનને કતારગામ લીંબાયીયા ફળિયા પાસે મળવા બોલાવી સ્વસ્તિક ફ્લેટ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લઈ ગઈ હતી. ત્યાં બે અન્ય મહિલાઓ પણ હાજર હતી.ફ્લેટના એક રૂમમાં અસ્મિતા અને યુવાન હતા તે જ સમયે ત્રણ શખ્સો રૂમમાં ઘૂસી આવ્યા અને પોતાને પોલીસ તરીકે રજૂ કર્યા હતા.


લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

તેઓએ આઈ-કાર્ડ પણ બતાવ્યા અને પોતાના નામ સુમિત મશરૂ, અલ્પેશ પટેલ અને રાજુ જણાવ્યું. આ ડુપ્લિકેટ પોલીસે યુવાન અને અસ્મિતાને હથકડી પહેરાવી દીધી અને પોલીસ સ્ટેશન લઈ જવાની તેમજ મીડિયા બોલાવવાની ધમકી આપી તેમના ફોટો પણ પાડી લીધા હતા. બાદમાં સુમિતે બળાત્કારનો ગુનો દાખલ ન કરવા બદલ રૂ. 20 લાખની ખંડણી માંગી હતી. યુવાને દોઢ લાખની વ્યવસ્થા કરી શકવાની વાત કરતા સુમિતે રૂ. 5 લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું યુવાને તેના મિત્રને ફોન કરી પૈસાની વ્યવસ્થા કરવા કહ્યું અને અડધા કલાક બાદ કિરણ હોસ્પિટલના ગેટ પાસે પૈસા સાથે બોલાવ્યા. જોકે, યુવાનના મિત્ર અને ભાઈ પૈસા લઈને પહોંચ્યા ન હતા. આથી સુમિત ઉશ્કેરાઈ ગયો અને યુવાનને માર મારીને નાસી ગયો હતો. આ બનાવ અંગે યુવાને કતારગામ પોલીસમાં અસ્મિતા, સુમિત મશરૂ, અમિત મશરૂ, અલ્પેશ પટેલ, રાજુ અને બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે મોડી રાત્રે SOG પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે અમિત ઉર્ફે ભરત મનસુખભાઈ મશરૂ (ઉં.વ. 33), સુમિતભાઈ મનસુખભાઈ મશરૂ (ઉં.વ. 36) અને અસ્મિતા ઉર્ફે પૂજા તે બાલુભાઈ ભરડવાની દીકરી તથા સચિન હર્ષદભાઈ ઠક્કરની પત્નીને ઝડપી પાડ્યા છે. 

  • Follow us on: