સુરત શહેરમાં સ્પામાં કામ કરતી એક યુવતી દ્વારા ડુમસ પોલીસની PCR વાનમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમ સામે કરાયેલા ગંભીર આક્ષેપોની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીએ દારૂનો કેસ ન કરવા બદલ રૂપિયાની માંગણી અને શારીરિક અડપલા કર્યાના આક્ષેપો સાથે ડુમસ પોલીસ મથકે અરજી આપી હતી. જોકે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવેલી તપાસમાં આ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા સાબિત થયા છે.
રૂપિયાની માગણી અને શારીરીક અડપલાનો હતો આક્ષેપ
આ સમગ્ર મામલાની તપાસમાં બહાર આવ્યું છે કે આશિકલી ઉર્ફે જુલી અવીતો સેમાહ નામની યુવતીએ પોતાના અંગત સંબંધો અને બીજા બોયફ્રેન્ડને છુપાવવાના ઇરાદા સાથે પોલીસને બદનામ કરવા માટે આ હાઈ-વૉલ્ટેજ ડ્રામાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસની છબી અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી ગંભીર પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કરવા બદલ પોલીસે આ યુવતી સહિત ત્રણ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.













