સુરતમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.બીજી તરફ ખાડી પુરને કારણે પણ લોકો હેરાન થઈ ગયાં છે. જ્યાં સૌથી મોટો મુદ્દો મેટ્રો રેલને કારણે રોડ પર ટ્રાફિક સર્જાય છે અને રોડ પર ખાડા પડી જવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના આંજણાં બ્રિજ પર થયેલા અકસ્માતમાં એક યુવકનું મોત નિપજ્યું છે.


બોલેરો એ બાઈક ચાલકને અડફેટે લીધો

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના આંજણા બ્રિજ પર પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરો એ બાઈક ચાલકને અડફેટે લીધો હતો. મોટા વરાછાથી બાઈક ચાલક યુવક ટ્યુશન ક્લાસમા જવા માટે નીકળ્યો હતો. 18 વર્ષિય શ્લોક નામના યુવકને રસ્તા પર બેફામ સ્પીડમાં આવેલી બોલેરોએ કચડી નાંખ્યો હતો. અકસ્માત થતાં જ યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

 બોલેરો ગાડી કાચના ગ્લાસ ભરીને જતી હતી

આંજણા બ્રિજ પર અકસ્માત સર્જનાર બોલેરો ગાડી કાચના ગ્લાસ ભરીને જતી હતી. અકસ્માત થયા બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા જ ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરીને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. બોલેરોના ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરાઈ હતી.


  • Follow us on: