સુરતના ઉધના વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉધનામાં રીપેરિંગ કરતા સમયે AP માર્કેટનો બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં બે શ્રમિકો દટાયા હતાં. ઘટનાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતાં.બે શ્રમિકોમાંથી એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.


AP માર્કેટમાં રિપેરિંગ કરતા સમયે બની દુર્ઘટના

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત AP માર્કેટમાં બીજા માળે રીપેરિંગનું કામ ચાલતુ હતું. આ દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થયો હતો. ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થતાં કાટમાળમાં બે શ્રમિકો દટાયા હતાં. જેમાં એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. ફાયર વિભાગને સ્થાનિક વેપારીઓએ જાણ કરતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચી

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ પણ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે રેસ્ક્યૂ કરેલા એક શ્રમિકને ગંભીર ઈજા પહોંચતા તેને પોલીસની ગાડીમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. રીપેરિંગ સમયે અચાનક સ્લેબ ધરાશાયી થતાં આસપાસના વેપારીઓ દોડી આવ્યા હતાં. ધડાકાભેર સ્લેબ ધરાશાયી થતાં અન્ય વેપારીઓમાં પણ ભય ફેલાયો હતો.


  • Follow us on: