સુરતમાં થયેલા વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ખાડીપૂરના પાણી ભરાઈ જવાથી લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ખાસ કરીને નાના વેપારીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ખાડી નજીક આવેલા પુરને કારણે રઘુકુલ માર્કેટ સહિત આઠ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે સાડીનો માલ પલળી ગયો હતો. જેના કારણે જે સાડી નંગના ભાવે બે હજારની કિંમતમાં વેચાતી હતી તે સાડીઓને 100 રૂપિયે કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો છે.


સાડીને કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો

સુરતમાં ખાડી નજીક આવેલા રઘુકુલ માર્કેટ સહિત આઠ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી દુકાનોના વેપારીઓને રડવાનો વારો આવ્યો છે. દુકાનમાં પાણી ભરાઈ જવાને કારણે સાડીઓનો માલ પલળી ગયો હતો. જેના કારણે સાડીઓમાં દુર્ગંધ બેસી ગઈ હતી. વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકીને સાડીને સૂકવી રહ્યાં છે. જે સાડી બે હજારની કિંમતે વેચાતી હતી તે સાડીને 50થી 100 રૂપિયા કિલોના ભાવે વેચવાનો વારો આવ્યો છે. નંગના ભાવે વેચાતી સાડી હવે કિલોના ભાવે વેચાઈ રહી છે.

500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું

ખાડી પૂરને કારણે આઠ માર્કેટની 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે. વેપારીઓને 100 કરોડથી વધુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં બે ફૂટ જેટલા ભરાઈ ગયા હતાં. હાલમાં વેપારીઓ પાણીમા પલળી ગયેલી સાડીઓને દોરી પર લટકાવી પંખા ચાલુ કરીને સૂકવી રહ્યાં છે. સાડીઓમાં ખાડીના પાણીની દુર્ગંધ ઘૂસી જવાથી માલ વેચાવો પણ મુશ્કેલ બન્યો છે.


  • Follow us on: