સુરતમાં કીમ-ઓલપાડ રોડ પર એક મહિલા મોપેડ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે રસ્તા પરથી પસાર થઈ રહેલી એક રિક્ષા મોપેડ સાથે અથડાયા બાદ ધડાકાભેર પલટી મારી ગઈ હતી.
કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી રિક્ષા
મળતી માહિતી અનુસાર, એક પેસેન્જર રિક્ષા કીમ ઓવરબ્રિજ તરફ જઈ રહી હતી, તે જ સમયે આગળ ચાલી રહેલી મહિલા મોપેડ ચાલકે અચાનક જ પાછળ જોયા વગર ટર્ન લીધો હતો. રોડ પર અચાનક વળાંક લેવાના કારણે પાછળથી પૂરઝડપે આવી રહેલી રિક્ષા મોપેડ સાથે ભટકાઈ ગઈ હતી અને રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.













