સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી સુરત સુધી ધમધમતા આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક પર ત્રાટકીને એક મોટી સફળતા હાસિલ કરી છે. પોલીસે મિઢોળા બ્રિજ પાસે સઘન ચેકિંગ અને દરોડો પાડીને તૌકીર ઉર્ફે બિલ્લા નામના એક શાતિર ડ્રગ પેડલરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી 53.770 ગ્રામ એમડી (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 1,61,૩10 થાય છે. આ ઉપરાંત પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબ્જે કરી છે.
છોટુ નામના મુખ્ય સપ્લાયર પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઝડપાયેલો આરોપી તૌકીર રાઈશ ખાન મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાનો વતની છે અને હાલ સુરતમાં ઉન પાટીયા ખાતે રહેતો હતો. તે મુંબઈના ધારાાવી વિસ્તારમાંથી સમીર ઉર્ફે છોટુ નામના મુખ્ય સપ્લાયર પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. આરોપી બાંદ્રાથી ટ્રેન મારફતે નવસારી થઈને સુરત પહોંચ્યો હતો, પરંતુ તે શહેરમાં ડ્રગ્સ પહોંચાડે તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો હતો.
