સુરતના ઓલપાડ તાલુકામાં એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં પરિયા ગામની સીમમાંથી આશરે 25 વર્ષીય અજાણી યુવતીની ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ યુવતીનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. યુવતીની હત્યા અત્યંત ઘાતકી રીતે કરવામાં આવી હોવાથી બનાવની ગંભીરતા વધી જાય છે.


ઓલપાડના પરિયા ગામની સીમમાં બન્યો બનાવ

આ મૃતદેહની જાણ સેગવા ગામના એક ખેડૂત દ્વારા પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ઓલપાડ પોલીસ અને સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક પરિયા ગામની સીમમાં દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસે હાલમાં મૃતક યુવતીની ઓળખ કરવા માટે યુદ્ધના ધોરણે તજવીજ હાથ ધરી છે.

પોલીસે મૃતક યુવતી વિશે તપાસ શરૂ કરી

આશરે 25 વર્ષીય યુવતીની ઓળખ થયા બાદ જ હત્યાના કારણો અને હત્યારા સુધી પહોંચી શકાશે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવા અને યુવતી ગુમ થયાની કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે. સમાજમાં ચાલતી આંતરિક માથાકૂટ કે અન્ય કોઈ કારણોસર આ કૃત્ય થયું છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.


  • Follow us on: