ગુજરાતમાં લૂંટફાટના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમા જઈને વેપારીની નજર ચૂકવી દાગીના ચોરતી ગેંગ પણ સક્રિય થઈ ગઈ છે. ત્યારે સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં દાગીના ચોરતી ગેંગ ઝડપાઇ છે. પોલીસે 3 મહિલા સહિત 4ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ 3.92 લાખના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી.


સુરત પોલીસે 3 મહિલા સહિત 4ની ધરપકડ કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં ભરતકુમાર ચોક્સી જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લોકોએ વેપારીની નજર ચૂકવીને 3.92 લાખના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના બની હતી. આ ઘટનામાં વેપારીએ ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી. સીસી ટીવીના માધ્યમથી કરાયેલી તપાસમાં પોલીસે 3 મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

જવેલર્સની નજર ચૂકવી ચોરીને અપાતા હતા અંજામ

આ તમામ આરોપીઓ જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને વેપારીની નજર ચૂકવીને ચોરીને અંજામ આપતા હતાં. પોલીસે પકડેલા તમામ આરોપીઓ અમદાવાદના ધોળકા શહેરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવીના આધારે તમામને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: