સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં એક સામાન્ય બાબતને લઈને મોટો ઝઘડો થયો હતો. જેમાં બે યુવકોને ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો માર મારવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં એક મિલની બહાર બે યુવકો રોડ પર ઊભા હતા. તે દરમિયાન અન્ય બે યુવકો પૂરઝડપે બાઇક લઈને ત્યાંથી પસાર થયા હતા.


નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં થઈ બબાલ

રોડ પર ઊભેલા યુવકોએ બાઇક ચાલકોને બાઇક સીધી રીતે અને ધીમી હંકારવાનું કહેતાં મામલો બિચક્યો હતો. બાઇક ચલાવવા બાબતે શરૂ થયેલી આ બબાલમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. દલીલો વધતાં બાઇક ચાલકોએ સ્થળ પરથી જતા રહ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેઓએ અન્ય મિત્રોને બોલાવીને પરત આવ્યા હતા. આ ટોળકીએ રોડ પર ઊભેલા ફરિયાદી યુવકો પર હુમલો કર્યો હતો અને તેમને ઢોર માર માર્યો હતો.

કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

સર્જાયેલા હંગામાનો એક વીડિયો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે યુવકોને માર મારતા જોઈ શકાય છે. આ ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધીને યુવકો પર હુમલો કરનાર તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની સામાન્ય બાબતોમાં હિંસાનો ઉપયોગ થવાથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.


  • Follow us on: