સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળામાં ચિકન પાર્ટીનું આયોજન થયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના ગોડાદરા વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક 342 અને 352 (પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ)માં બની હોવાનું જાણવા મળ્યું છે. શાળા દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે એક ગેટ-ટુ-ગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું.


નગર પ્રા.શિક્ષણ સમિતિની શાળામાં ચિકન પાર્ટી

જોકે આ ગેટ-ટુ-ગેધર દરમિયાન શાળા પરિસરમાં જ ચિકન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. શાળાને સરસ્વતીનું મંદિર ગણવામાં આવે છે. જ્યાં બાળકોને સંસ્કાર અને જ્ઞાન આપવામાં આવે છે. આવા પવિત્ર સ્થળ પર ખાસ કરીને સરકારી શાળાના પરિસરમાં માંસાહારનું આયોજન કરવું કેટલું યોગ્ય છે તે અંગે લોકોમાં તીવ્ર રોષની લાગણી ફેલાઈ છે.

સરસ્વતીના ધામમાં ચિકન પાર્ટી થતા લોકોમાં રોષ

અનેક લોકોએ આ ઘટનાને શાળાના વાતાવરણ અને શૈક્ષણિક ગરિમાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાના પરિસરમાં આ પાર્ટી યોજાઈ રહી છે. જેના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરી અને શાળાના સંચાલકોના નિર્ણય સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં આવે તેવી લોકમાગણી ઊઠી છે.


  • Follow us on: