સુરતના કામરેજમાં RFO પર ફાયરિંગ થવાના મામલામાં ડોક્ટરનું નિવેદન આવ્યું છે. ડોક્ટરે કહ્યું છે કે સોનલ સોલંકીની આંખોમાં મૂવમેન્ટ આવી છે પણ હજું સોનલ સોલંકીની સ્થિતિ ક્રિટિકલ છે. બીજી તરફ આ ફાયરિંગ મુદ્દે તપાસ તેજ કરવામાં આવી છે.


 માથામાંથી 7 એમએમની ગોળી મળી આવી

મળેલી માહિતી મુજબ ગત 6 નવેમ્બરે કામરેજમાં RFO સોનલ સોલંકી બેભાન હાલતમાં મળતાં તત્કાળ તેમને સારવાર માટે ખસેડાયા હતા. પહેલા તો લાગ્યું હતું કે કોઇ અકસ્માત થયો છે પણ ડોક્ટરની તપાસમાં તેમના માથામાંથી 7 એમએમની ગોળી મળી આવી હતી જેથી રહસ્ય ઘરેયું છે.

ઘટનામાં હત્યાનો પ્રયાસ કે આપઘાત તે અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે

સોનલબેનના જમણેથી મગજને ચીરી ડાબી બાજુ સુધી ગોળી પહોંચી છે તો બીજી તરફ FSL દ્વારા ઘટના સ્થળે અને હોસ્પિટલમાં તપાસ કરાઇ રહી છે. ઘટનામાં હત્યાનો પ્રયાસ કે આપઘાત તે અંગે રહસ્ય ઘુંટાઇ રહ્યું છે.

 RFO સોનલ સોલંકીને કોણે ગોળી મારી તે પણ સવાલ

 RFO સોનલ સોલંકીને કોણે ગોળી મારી તે પણ સવાલ ઉભો થયો છે. ઘટના સમયે સોનલ સોલંકીનો 4 વર્ષનો પુત્ર સાથે હતો. પોલીસે આપઘાતનો પ્રયાસની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

સોનલ સોલંકીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી ફરાર

જો કે પોલીસે કહ્યું છે  કે સોનલ સોલંકીના પતિ આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી ફરાર છે. તેના ઘેર પણ નિકુંજ મળી આવ્યો ન હતો અને તેનો ફોન પણ બંધ આવી રહ્યો છે. એસપી રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે નિકુંજની શોધખોળ કરાઇ રહી છે. સુરત કામરેજ પોલીસે એટેમ્પ ટુ મર્ડર અને એટ્રોસિટી મુજબનો ગુનો નોંધ્યો છે અને તપાસ એસસી એસટી સેલ ને સોંપવામાં આવી છે

 આ ઘટના અકસ્માત લાગતી હતી

પોલીસે કહ્યું છે કે પહેલાં તો આ ઘટના અકસ્માત લાગતી હતી પણ સારવારમાં માથાના ભાગે ગોળી મળી આવી છે અને તપાસમાં જાણવા પણ મળ્યું છે કે સોનલબેનના પતિ પાસે લાયસન્સવાળી રિવોલ્વર પણ છે પણ તે હાલ મહેસાણામાં જમા છે હાલ તો નિકુંજ ગોસ્વામી પર પોલીસને શંકા છે.

સોનલ સોલંકીની કાર કામરેજ પાસે ઝાડ સાથે ટકરાઇ હતી

ગત 6 તારીખે સોનલ સોલંકીની કાર કામરેજ પાસે ઝાડ સાથે ટકરાઇ હતી જેથી તેમને બેભાન હાલતમાં બારડોલી હોસ્પિટલમાં લઇ જવાયા હતા અને ત્યારબાદ સુરતની હોસ્પિટલમાં તેમને રિફર કરાયા હતા જ્યાં સારવારમાં તેમના માથામાં ગોળી હોવાનું જણાઇ આવ્યું હતું.

શંકાસ્પદ તરીકે તેમના જીજાજીનું નામ લખાવેલું છે

એસપી રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે વિક્ટીમના ભાઇએ ફરિયાદ આપી છે. ગોળી એફએસએલમાં મોકલાઇ છે. ફરિયાદમાં જણાવાયું કે શંકાસ્પદ તરીકે તેમના જીજાજીનું નામ લખાવેલું છે. હાલ તપાસ ચાલી રહી છે. મહિલાની વેગન આર કારમાંથી જીપીએસ મળેલું હતું તે અંગે ફરિયાદ દાખલ થયેલી છે. નિકુંજ ગોસ્વામી શંકાસ્પદ છે અને તેમને પકડીને તપાસ કરાશે. તપાસમાં કોઇ મુદ્દો બાકી ના રહી જાય તેવો પોલીસ પ્રયાસ કરી રહી છે. પરિવારમાં તરકારની પણ અમે તપાસ કરીએ છીએ. 

  • Follow us on: