સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આજે સવારે એક અત્યંત સનસનાટીપૂર્ણ ઘટના બની છે. જ્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહિલા અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં આ ફાયરિંગની ઘટના બની છે. RFO સોનલ સોલંકી આજે સવારે પોતાના બાળકને પ્લે સ્કૂલમાં મૂકવા માટે કારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.


જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં ફાયરિંગ

ફાયરિંગની આ ઘટનામાં સોનલ સોલંકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના અંગત અદાવત કે કૌટુંબિક વિવાદ તરફ ઇશારો કરી રહી છે. સોનલ સોલંકીનો છેલ્લા કેટલાક સમયથી તેમના પતિ નિકુંજ સોલંકી સાથે અણબનાવ ચાલી રહ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમના પતિ RTO ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.

સોનલ સોલંકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

આ ઘટનાની ગંભીરતા ત્યાં વધે છે કે સોનલ સોલંકીએ માત્ર બે દિવસ અગાઉ જ કામરેજ પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમની કારમાંથી GPS ટ્રેકર મળી આવ્યું હતું. જે દ્વારા કોઈ તેમનો પીછો કરી રહ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. RFO સોનલ સોલંકીએ કરેલી GPS ટ્રેકરની ફરિયાદ અને તેમના પતિ સાથેના અણબનાવની દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.


  • Follow us on: