Surat News: રાજ્યમાં નશીલા પદાર્થના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. તેમ છતા તમામ જિલ્લામાં નશીલા પદાર્થ સરળતાથી મળી રહે છે, અને ઘણા વિસ્તારોમાં તો આ માદત પદાર્થોનું વેચાણ અને ઉપયોગ ખુલ્લેઆમ થઈ રહ્યો છે. આવામાં પોલીસ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ડ્રગ્સ મુક્ત ગુજરાતના દાવાઓ પોકળ સાબીત થઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.


સુરતમાં નશાખોરીનું ચલણ વધ્યું

ખાસ કરીને સુરત શહેરમાં ગુનાખોરી અને નશાખોરી સતત વધી રહી હોય તેવું જણાઈ રહ્યું છે. સુરતમાંથી દારૂ અને ડ્રગ્સનું સેવન કરીને ઉત્પાત મચાવતા નબીરાના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. આવામાં સુરત કોંગ્રેસ દ્વારા ઉડતા સુરતમાં નશાખોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું

સુરતમાં નશાખોરી ડામવા માટે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલા દ્વારા નશીલા પદાર્થનું વેચાણ બંધ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ અંગે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. આ સાથે વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં નશાખોરીના કારણે ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે, સુરતમાં દેશી, વિદેશી દારૂ, ડ્રગ્સ, હેરોઈન અને ગાંજો સરળતાથી મળી રહે તે માટે મોટું રેકેટ ચાલી રહ્યું છે.

સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતમાં ખુલ્લેઆમ નશીલા પદાર્થનું વેચાણ થાય છે. જે નાગરિકો, કાયદા વ્યવસ્થા માટે એક મોટા પડકાર સમાન છે. આ દૂષણમાં લાખઓ યુવાનો હોમાઈ રહ્યા છે. આ મામલે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવાની માંગ

આ રજૂઆતમાં તેમણે શહેરમાં દેશી-વિદેશી દારૂ અને નશીલા પદાર્થના વેચાણ તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે. સુરત શહેર એક મેટ્રો સિટી તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતમાં શહેરમાં ગુનાનું પ્રમાણ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. જેથી શહેરના નાગરિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.

વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના નાગરિકો સાથે લૂંટ, ચોરી, હત્યાના બનાવો રોજબજરોજ બની રહ્યા છે. આવા સમાચારો છાસવારે પ્રગટ થતાં રહે છે. હાલ સુરત શહેરમાં દેશી અને વિદેશી તેમજ નશીલા પદાર્થોનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે, જેમાં તમામ વિસ્તારોમાં ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું છે. જે નાગરિકો અને કાયદા વ્યવસ્થા માટે અતિ ગંભીર પડકારરૂપ છે.


  • Follow us on: