સુરતના ઉધનામાં થયેલી 11 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે.ત્રણેય આરોપીઓએ કંપનીમાંથી માત્ર કોપર વાયર ચોરીનો પ્લાન ઘડ્યો હતો.પરંતુ કંપનીમાં 11 લાખ રૂપિયાની નોટોના બંડલ જોઈ આરોપીઓ ભાન ભૂલ્યા અને મોજશોક કરવા રૂપિયા ચોરી કર્યા હતાં. આરોપીઓ રૂપિયા લઈ મુંબઈ ભાગ્યા અને ત્યાં બારમાં ડાન્સર્સ પાછળ હજારો રૂપિયા ઉડાવ્યા હતા. મોંઘો આલીશાન રૂમ ભાડે રાખ્યો તેમજ ફોટા પાડવા મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો.


સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરી

ઘટનાસ્થળના CCTVમાં થયેલી ઓળખ અને સોશિયલ મીડિયાની એક પોસ્ટે પોલીસને સીધા આરોપીઓ સુધી પહોંચાડી હતી.પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી ચોરીના રૂપિયા 6.05 લાખની રોકડ રકમ પણ રિકવર કરી છે.30 ડિસેમ્બરના રોજ ઉધનાની ઇસ્ટન એન્જિનિયરિંગ કંપનીમાંથી તસ્કરો 11.70 લાખની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.ઉધના પોલીસની સર્વેલન્સ ટીમે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી હતી.આરોપી શુભમ ઉર્ફે નેપાળી અને દીપક ઉર્ફે કાલિયાનો પ્લાન માત્ર કોપર વાયર ચોરી કરવાનો હતો.

રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો

ફેક્ટરીમાં ચોરી કરતા સમયે રોકડ રકમનો મોટો જથ્થો મળી આવ્યો હતો.આટલી મોટી રકમ જોઇ તેઓ મુંઝાયા અને છેવટે ગણતરી કરવાને બદલે નોટોના બંડલો એકબીજામાં વહેંચી દીધા હતા. દીપકના ઘરનું કામ ચાલતું હોવાથી બહાર રેતીના ઢગલો હતો તેથી તણે વિચાર્યું કે, જો પોલીસ તપાસ કરશે તો ઘરમાં કરશે બહાર પડેલી રેતી કોઈ નહીં ચેક કરે એટલે તેણે ફિલ્મી સ્ટાઈલમાં લાખો રૂપિયા રેતીમાં દાટી દીધા હતા.જોકે, પોલીસે રેતીમાંથી ચોરીના પૈસા શોધી કાઢ્યા હતા. ચોરી કર્યા બાદ આ ટોળકીનો ત્રીજો સાથી આનંદ ઉર્ફે લક્કીએ સૌથી મોટી ભૂલ કરી.તેણે ચોરીના પૈસા સાથે ફોટો પડાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર 'ગોઇંગ ટુ બોમ્બે' લખીને પોસ્ટ મૂકી દીધી હતી.આ સોશિયલ મીડિયા પોસ્ટે પોલીસને સીધો રસ્તો બતાવ્યો કે આરોપીઓ અત્યારે ક્યાં છે અને શું કરી રહ્યા છે.

આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને મુંબઈ પહોંચ્યા

પૈસા હાથમાં આવતા જ આરોપીઓ પોતાનું ભાન ભૂલ્યા અને તેઓ સીધા મુંબઇ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ એક જાણીતા બારમાં ડાન્સર્સ ઉપર હજારો રૂપિયા પણ ઉડાવ્યા હતા. ગરીબીમાં જીવતા આ ચોર મુંબઇની રંગીન દુનિયામાં ખોવાઈ ગયા અને પોતાની પાછળ પોલીસ પડી છે તેનું પણ ભાન ભૂલી ગયા હતા.મોજશોખની હદ તો ત્યારે થઈ જ્યારે શુભમ નેપાળીએ રહેવા માટે રૂપિયા 11 હજારનો ભાડે આલીશાન રૂમ રાખ્યો હતો. આટલેથી મન ન ભરાતા તેણે ચોરીના રૂપિયાથી નવો મોંઘો કેમેરો પણ ખરીદ્યો હતો. જેથી તે પોતાના ફોટા પાડી શકે. આ બધી જ વિગતો પોલીસ તપાસમાં એક પછી એક સામે આવી હતી. બાતમી મળતા જ દરોડો પાડ્યો અને ત્રણેય આરોપીઓ શુભમ ઉર્ફે નપાળી, દીપક ઉર્ફે કાલિયો અને આનંદ ઉર્ફે લક્કીને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રેતીમાં દાટેલા 6.05 લાખ રૂપિયા પણ રિકવર કર્યા હતા.


આ પણ વાંચોઃ Surat: મહિધરપુરામાંથી 15 લાખની પ્રતિબંધિત E-સિગારેટ ઝડપાઈ, LCB એ મોબાઈલના વેપારીને દબોચ્યો


  • Follow us on: