સુરતની ઉધના પોલીસે ઓનલાઈન માલ મંગાવીને લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર એક ફરાર આરોપીને આખરે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ સુરત સહિત અન્ય રાજ્યોના વેપારીઓ પાસેથી રૂ.50 લાખથી વધુનો ઇલેક્ટ્રિક સામાન પડાવીને પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આ ઠગનું નામ ભૂપેન્દ્ર પંચાલ છે. ભૂપેન્દ્ર પંચાલે સુરત, વડોદરા અને ચેન્નઈ જેવા શહેરોના વેપારીઓને નિશાન બનાવ્યા હતા.
ઓનલાઇન સામાન મંગાવી ઠગાઇ કરનાર ઝડપાયો
આરોપીએ વેપારીઓ પાસેથી ઇલેક્ટ્રિક માલ-સામાનનો મોટો જથ્થો ઓનલાઈન મંગાવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.50.54 લાખ થતી હતી. જોકે માલ મેળવ્યા બાદ તેણે વેપારીઓને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને છેતરપિંડી આચરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ ઠગાઈનો ભોગ બનેલા વેપારીઓની ફરિયાદના આધારે ઉધના પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો અને વારંવાર પોતાનું લોકેશન બદલતો હતો.













