સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે. અહીં એક 13 વર્ષના બાળકનું ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી મોત નિપજતાં પરિવારમાં અને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ શ્રીરામ ચાય અને પાન કોલ્ડ્રિંક સેન્ટર ખાતે બન્યો હતો. જ્યાં મૃતક બાળક જેની ઉંમર માત્ર 13 વર્ષની હતી તે આ સેન્ટર પર સાફ-સફાઈનું કામ કરી રહ્યો હતો. સફાઈ કરી રહ્યા દરમિયાન અચાનક બાળકને કોઈ કારણોસર ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.


શિવનગર સોસાયટીમાં 13 વર્ષના બાળકનું મોત

કરંટનો ઝટકો એટલો જોરદાર હતો કે કિશોર ઘટનાસ્થળે જ બેભાન થઈને નીચે પડી ગયો હતો. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બેભાન હાલતમાં રહેલા બાળકને વહેલી તકે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કરતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. માસૂમ બાળકનું કરંટ લાગવાથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ કરૂણ બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જેમાં કરંટ કયા કારણોસર લાગ્યો, વાયરિંગમાં કોઈ ખામી હતી કે કેમ અને બેદરકારી માટે કોણ જવાબદાર છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ઇલેક્ટ્રિક ઉપકરણો અને વાયરિંગની સુરક્ષા તથા બાળકોની સલામતીના મુદ્દાને ગંભીરતાથી લેવા પર ભાર મૂક્યો છે.


  • Follow us on: