સુરત શહેરમાં વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું ગંભીર ઉલ્લંઘન અને બેદરકારીના દ્રશ્યો સામાન્ય બની ગયા છે. ખાસ કરીને ચાલુ વાહને મોબાઇલ ફોન પર વાત કરવાની ગંભીર પ્રથા સતત જોવા મળી રહી છે. જે મોતને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે. સંદેશ ન્યૂઝના કેમેરામાં પણ સુરતના રસ્તાઓ પર લોકોની આ બેદરકારી સ્પષ્ટપણે કેદ થઈ છે. શહેરમાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ વિના વાહન હંકારતા જોવા મળે છે અને તેમાંય ઘણા લોકો ચાલુ બાઇકે બેફિકર બનીને મોબાઇલ પર વાતચીત કરતા નજરે પડે છે.


શા માટે આ બેદરકારી જોખમી છે?

ચાલુ વાહને ફોન પર વાત કરવાથી વાહનચાલકનું ધ્યાન ભંગ થાય છે. જેના કારણે તે રોડ પરની પરિસ્થિતિનું યોગ્ય આકલન કરી શકતો નથી. ઘણી વખત આ બેદરકારીને કારણે ભયંકર અકસ્માતો સર્જાય છે. આ અકસ્માતો માત્ર મોબાઇલ પર વાત કરનાર વ્યક્તિને જ નહીં પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓને પણ ઇજા પહોંચાડે છે. મોટર વ્હીકલ એક્ટનો નિયમ સ્પષ્ટપણે ચાલુ વાહને ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવાની સખત મનાઈ ફરમાવે છે. આ નિયમ બાઇક, ફોર-વ્હીલર કે મોટા વાહનો – તમામ પ્રકારના વાહનોના ચાલકોને લાગુ પડે છે.

સલામતી માટે શું કરવું જોઈએ?

સલામત ડ્રાઇવિંગ માટે હંમેશા યાદ રાખવું જોઈએ કે જો ફોન પર વાત કરવી અત્યંત જરૂરી હોય તો વાહનને રસ્તાની બાજુમાં સુરક્ષિત રીતે ઊભું રાખીને જ વાતચીત કરવી જોઈએ. આજના આધુનિક યુગમાં બ્લૂટૂથ અથવા બ્લૂટૂથ હેલ્મેટ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ કરવો યોગ્ય ગણાય. પોલીસ દ્વારા ઘણીવાર ચાલુ વાહને ફોન પર વાત કરતા લોકોને પકડવામાં આવે છે અને તેમને આ જોખમી આદત અંગે સમજાવવામાં આવે છે. આપણે સૌએ સમજવું જરૂરી છે કે જીવન અમૂલ્ય છે અને એક નાની બેદરકારી આખા પરિવાર માટે દુઃખનું કારણ બની શકે છે. સુરક્ષા અને કાયદાનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજ છે.


  • Follow us on: