સુરતમાં ટેક્સટાઇલ વેપારી હેવાન બન્યો હતો, વેપારીએ બે યુવકોને કપડાં ઉતરાવી માર માર્યો હોવાની વાત સામે આવી છે, ચોરીની આશંકાએ યુવકો સાથે હેવાનિયત થઈ હોવાની વાત સામે આવી છે, કપડાં ઉતરાવી લાકડીથી યુવકોને માર માર્યો છે અને માર્કેટ વચ્ચે યુવકોને ઉઠક બેઠક કરાવી છે, અનમોલ ટેક્સટાઇલ માર્કેટના વેપારીની કરતૂત સામે આવી છે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે.
નંદની ક્રિએશનના વેપારીએ યુવકોને માર માર્યો
સુરતમાં વેપારીએ બે યુવકોને તાલિબાની સજા આપી છે અને બને યુવકોને જાહેર માર્કેટમાં નગ્ન કરીને લાકડાનાં ફટકા વડે માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, ચોરીનો આરોપ મૂકીને યુવકોને માર મારવામાં આવ્યો છે, વીડિયો સુરતના રિંગ રોડ પર આવેલા અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો છે અને ઘટનાની જાણ થતાની સાથે સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સુરતમાં વેપારીઓએ અત્યાચારની હદ વટાવી
અનમોલ માર્કેટના નામથી વાયરલ થયેલાં આ વીડિયોમાં એક દુકાનમાં બે વ્યક્તિઓને બળજબરી પૂર્વક નગ્ન કરવા ફરજ પાડતાં કેટલાંક શખ્સો દેખાઈ આવ્યા હતા. દુકાનમાં નગ્ન કર્યા બાદ કેટલાંક લોકો તેમની પર દંડા વડે તૂટી પડયા હતા. પોલીસ મારે તે સ્ટાઈલમાં તેમને થાપાના ભાગે ક્રૂરતાપૂર્વક દંડા ફટકાર્યા હતા. માનવતા તો નેવે મૂકી દેવાઈ હતી, સાથે બેશર્મ બની બંને યુવકોનો નગ્ન વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને બાદમાં વાયરલ પણ કરાયો હતો.
વીડિયો વાયરલ થતાં જ મામલો ગંભીર બન્યો હતો
બંને યુવકોએ પોલીસને સંપર્ક કર્યો નહી હોવાથી પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને મળી ગયા બાદ તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. ભોગ બનેલાં અને હુમલાખોરોની તપાસ માટે અલગ અલગ ચાર ટીમ બનાવવામાં આવી છે. એક ટીમ દ્વારા અનમોલ માર્કેટમાં તપાસ કરવામાં આવી હતી અને જે દુકાનમાં દમન કરાતો વિડીયો બન્યો હતો તે દુકાન શોધી કાઢવામાં આવી હતી.