સુરત શહેરમાં ટ્રાફિક નિયમન માટે ફરજ બજાવતા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનની લાંચ લેતા રંગેહાથ ધરપકડ કરવામાં આવતાં ટ્રાફિક વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો) દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં TRB જવાન ધર્મેશ ભરવાડને રૂ. 15,000 ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, આ કૌભાંડમાં સંડોવાયેલો અન્ય એક TRB જવાન પિયુષ રાજપૂત પોલીસને ચકમો આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવથી સુરત ટ્રાફિક વિભાગના કર્મચારીઓની કામગીરી અને પ્રમાણિકતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
કાપડની હેરાફેરી કરતા ટેમ્પોચાલકો પાસેથી માંગી હતી લાંચ
આ લાંચના કેસનો ફરિયાદી વ્યક્તિ ટેમ્પોમાં કાપડની હેરાફેરી કરવાનો ધંધો કરે છે. TRB જવાન ધર્મેશ ભરવાડ અને પિયુષ રાજપૂત બંને ફરિયાદીના ધંધામાં હેરાનગતિ ન કરવાના બદલામાં નિયમિત રીતે લાંચ (હપ્તા)ની માંગણી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બંને જવાનોએ ફરિયાદીના ગ્રુપમાં ચાલતા કુલ 30 ટેમ્પોને કોઈ પણ મુશ્કેલી વિના અવરજવર કરવા દેવા માટે દર મહિને કુલ રૂ. 15,000 ની માસિક લાંચની માંગણી કરી હતી. TRB જવાનો દ્વારા ખુલ્લેઆમ કરવામાં આવતી આ વસૂલીથી ટેમ્પોચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.













