સુરતના સચિન GIDC વિસ્તારમાં શુક્રવારે સાંજે નોકરી પરથી ઘરે જઈ રહેલી એક મહિલાનું તેના પૂર્વ પતિ દ્વારા જાહેરમાંથી અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ફિલ્મી દૃશ્યોની જેમ પૂર્વ પતિએ બોલેરો પીકઅપ વાનમાં બળજબરીપૂર્વક મહિલાને બેસાડી અપહરણ કર્યું હતું. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. જોકે, સચિન GIDC પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પૂર્વ પતિ છોટા ઉદયપુર પહોંચે તે પહેલાં ચેક પોસ્ટથી પકડી પાડ્યું હતું અને મહિલાને સહી-સલામત મુક્ત કરાવી હતી. પત્નીને પામવા માટે પૂર્વ પતિએ અપહરણનો રસ્તો અપનાવ્યો હતો.


મહિલા પતિ રાકેશ બરસન કિરાડથી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી

સુરતના સચિન GIDC ઈન્ડસ્ટ્રીલ વિસ્તારમાં 23મી ઓગસ્ટના રોજ સાંજે 7:15 વાગ્યાની આસપાસ ઘટના બની હતી. ભોગ બનનાર મહિલા રીટા, જે આશરે દોઢ વર્ષ પહેલાં સમાજના વડીલો મારફતે તેના પતિ રાકેશ બરસન કિરાડથી છૂટાછેડા લઈ અલગ રહેતી હતી. તે પોતાની બહેનપણી સાથે નોકરી પરથી ઘરે જઈ રહી હતી. તે જ સમયે તેનો પૂર્વ પતિ રાકેશ એક સફેદ બોલેરો પીકઅપ ગાડી લઈને આવ્યો હતો. તેણે રસ્તામાં જ રીટાને રોકી, બળજબરીપૂર્વક તેનો હાથ પકડી ગાડીમાં બેસાડી દીધી અને તેનું અપહરણ કરી ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાથી ચોંકી ગયેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. રીટાના ભાઈ અંબુભાઈ ઉર્ફે કરણ જંદુભાઈ રાઠવાએ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે અપહરણ કરાયેલી મહિલા રીટાને સહી-સલામત મુક્ત કરાવી

જેના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સચિન GIDC પોલીસે તાત્કાલિક ટીમો દોડાવી હતી. સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી અને વાહન ચેકિંગ પણ સઘન બનાવવામાં આવ્યું હતું. પોલીસની સઘન તપાસ અને વ્યૂહાત્મક કામગીરીના કારણે અપહરણકર્તા રાકેશ કિરાડ છોટાઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી દરમિયાન પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી અપહરણ કરાયેલી મહિલા રીટાને સહી-સલામત મુક્ત કરાવી હતી. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે દોઢ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોવા છતાં રાકેશ તેની પૂર્વ પત્ની સાથે ફરીથી સંસાર માંડવા માગતો હતો અને આ જ કારણે તેણે આ અપહરણનું કાવતરું રચ્યું હતું. આ બંનેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા. 4 માસના દીકરાનું અગાઉ અવસાન થયું હતું, જ્યારે અઢી વર્ષની દીકરી આરોપી રાકેશ સાથે રહેતી હતી. આ સંજોગોમાં પૂર્વ પત્નીને ફરીથી પોતાની પાસે પાછી લાવવા માટે રાકેશે આ અપરાધ આચર્યો હતો. હાલ સચિન GIDC પોલીસે આરોપી રાકેશ કિરાડની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: