સુરતના પુણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટીમાં એક જ ગામના બંને યુવકનો રૂપિયાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. વિપુલ નકુમ નામના યુવક પાસથી વિપુલ વાળા નામના યુવકે રૂપિયા લીધા હતા. જોકે ઘણો સમય થયો હોવા છતાં પણ વિપુલ વાળાથી રૂપિયા ચૂકવવામાં આવ્યા ન હતા અને તેને જ લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. માથાકૂટ એટલી હદે વધી ગઈ કે બંને મારા મારી પર આવી ગયા અને વિપુલ વાળાએ ચપ્પુ વિપુલ નકુમને પેટના ભાગે મારી દેતા વિપુલ નકુમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
વિપુલ વાળાએ વિપુલ નકુમને ચપ્પુના ઘા મારી કાસળ કાઢી નાખ્યું
સુરતમાં દિવસેને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તે પ્રકારે હત્યાના બનાવો વધી રહ્યા છે, તેવામાં સીતારામ સોસાયટીમાં એક જ ગામના બંને યુવકોનો રૂપિયાની લેતી બાબતે ઝઘડો થયો હતો. જેમાં વિપુલ નકુમે વિપુલ વાળાને પકડી રાખ્યો હતો અને વિપુલ વાળાના મોટાભાઈને ફોન કરી રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. જોકે વિપુલ વાળાનો મોટો ભાઈ રૂપિયા લઈને આવે તે પહેલા જ વિપુલ વાળાએ વિપુલ નકુમને ચપ્પુના ઘા મારી કાસળ કાઢી નાખ્યું હતું. વિપુલ વાળાએ ચપ્પુના ઘા મારી દેતા વિપુલ નકુમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ત્યાં ઢળી પડ્યો હતો. જેથી વિપુલ વાળા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વિપુલ નકુમ પર 7 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે
મહત્વનું છે કે મૃતક યુવક વિપુલ નકુમ પર 7 જેટલા ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે. અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા 7 પૈકીના 4 ગુના ગંભીર પ્રકારના પણ નોંધાયા છે, જે સ્થળ પર હત્યા થઈ ત્યાંથી પોલીસને હત્યારા વિપુલ વાળાનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. હાલ પોલીસે હત્યારાનો મોબાઈલ કબજે લીધો છે અને આરોપી વિપુલ વાળાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.