વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના હિંમતપુરા ગામની સીમમાં એક શ્રમિક પરિવારમાં અત્યંત કરૂણ ઘટના બની છે. અહીં સામાન્ય બોલાચાલીમાં પતિએ પોતાની પત્નીને મૂઢ માર મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ આરોપી પતિ રાજસ્થાન તરફ ભાગી છૂટ્યો હતો. જોકે વાઘોડિયા પોલીસે ગણતરીના દિવસોમાં તેની ધરપકડ કરી લીધી છે. હિંમતપુરા ગામની સીમમાં ઝૂંપડું બાંધીને રાજસ્થાનનો એક શ્રમિક પરિવાર રહેતો હતો અને તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીને માર માર્યો
રાત્રિના સમયે પતિ-પત્ની વચ્ચે કોઈ સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા પતિએ આવેશમાં આવીને પત્નીને બેરહેમીથી મૂઢ માર માર્યો હતો. જેના કારણે પત્નીનું મોત નીપજ્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ તુરંત જ રાજસ્થાન તરફ ભાગી છૂટ્યો હતો. આ બનાવ બાદ જ્યારે મૃતક મહિલાનો પીએમ કરવામાં આવ્યો. ત્યારે તેના મોતનું ચોક્કસ કારણ મૂઢ મારને લીધે થયું હોવાનો ખુલાસો થયો હતો.













