દિવાળીના તહેવારો દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોમાં વધારો થતાં વડોદરા શહેર પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશમાં માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા જ નહીં પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા વાહનચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને એક જ દિવસમાં 70 વાહનચાલકો સામે કાર્યવાહી કરી હતી.
પોલીસે ટ્રાફિક નિયમનનું મહત્વ સમજાવ્યું
આ કાર્યવાહી દરમિયાન જે વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા. તેમની પાસે પોલીસે ટ્રાફિક નિયમનનું મહત્વ સમજાવીને નિયમોના પાલન કરવાના શપથ લેવડાવ્યા હતા. ચેકિંગ દરમિયાન પોલીસને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ 35 કેસ, ગેરકાયદેસર દારૂની હેરાફેરી જેમાં વાહનોમાંથી દારૂ મળી આવવાના 8 કેસ, 1 વાહનચાલકની હથિયાર સાથે ધરપકડ, અવાજનું પ્રદૂષણ ફેલાવતા 11 વાહનો (મોડીફાઈડ સાયલેન્સરવાળા) કબ્જે કરાયા, નંબર પ્લેટ વગરના 15 વાહનો સામે કાર્યવાહી કરીને જપ્ત કરાયા.













